વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના ૩ સભ્યોના મોત થયા છે. માતા-પુત્ર અને ભત્રીજોના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે અને કરખડી ગામમાં સન્નાટો ફેલાઇ ગયો છે. વડુ પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
પાદરા તાલુકાના કરખડી ગામના જ્યોતિબેન વ્યાસ, તેમનન પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસ આજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા.જ્યાં તેઓ અચાનક જ ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જોણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા અને જ્યોતિબેન વ્યાસ અને અભય વ્યાસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે મિતેશ વ્યાસની ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ પોલીસે તેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ સમયે વ્યાસ પરિવાર આક્રંદ કરતો જોવા મળ્યો હતો.
વડુ પોલીસે માતા જ્યોતિબેન વ્યાસ, પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ફાયરબ્રિગેડના જવાને જણાવ્યું હતું કે, કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં બે બાળકો અને એક મહિલા ડૂબી ગઇ હતી. એક બાળક અને મહિલાનો મૃતદેહ સ્થાનિકોને મળ્યો હતો. પરંતુ એક બાળકનો મૃતદેહ ન મળતા વડોદરા ફાયરબ્રિગેડને જોણ કરતા અમારી ટીમ તુરંત દોડી ગઇ હતી અને બાળકના મૃતદેહને શોધીને બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
૪ મહિના પહેલા જ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીને કિનારે બરોડા મેડિકલ કોલેજના સ્ટુડન્ટનું એક ગ્રુપ પિક્નિક મનાવવા માટે ગયું હતું. આ ગ્રુપની એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં
અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદી કિનારે ઊંડા પાણીમાં ન જવા માટેની સૂચના આપતાં બોર્ડ પણ લગાવાયાં છે. આમ છતાં પિકનિક મનાવવા જતા લોકો નદીના ઊંડા પાણીમાં ન્હાવા માટે ઊતરે છે અને મોતને ભેટતા હોય છે. તાજેતરમાં સાવલી પોલીસ મથકના અધિકારીએ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીમાં ડૂબી જવાની બનતી ઘટનાઓ અંગે કડક કાર્યવાહી કરવા માટે સાવલી મામલતદારને પત્ર લખી જોણ કરી હતી, પરંતુ સાવલી વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.