વડોદરા આવી ફૂટપાથ પર રહી દિવસે વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાતે ચડ્ડી બનિયન પહેરી ચોરીઓ કરતી મધ્યપ્રદેશની ચામાચીડિયા ગેંગના ત્રણ આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓએ છેલ્લા ૧૫ દિવસમાં મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં ચાર સ્થળે લાખોની ચોરી કરી હતી.ચામાચીડિયા ગેંગના મોટા ભાગના સભ્યોએ તેમના શરીર પર છાતીના ભાગે ટેટૂ કોતરાવેલું છે. એ જ તેમની ગેંગની ઓળખ છે. ત્રણેય આરોપી હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આ ગેંગના સભ્યો તેમની છાતીના ભાગે ચામાચીડિયું કેમ ચિતરાવે છે એ દિશામાં પણ તાપસ શરૂ કરી છે. એના માટે માંજલપુર પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ રવાના થશે.વડોદરા શહેરના માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં ચોરીના બનાવો સામે આવતાં જ માંજલપુર પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને આ ગેંગને ઝડપી પાડવા મોડીરાત્રિના વોચમાં ફરતી હતી. આ દરમિયાન માંજલપુર પોલીસને સીસીટીવી ફૂટેજની ઝીણવટ ભરી તપાસ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ બે શખસ સુસેન સર્કલ પાસે દેખાયા હતા, જેમાં એક વ્યક્તિએ ખભે સ્કૂલબેગ લટકાવી હતી. આ બંને શખસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા. આ સમયે તેમનો ત્રીજા સાગરીત પણ ગલીમાં ભાગવા જતાં પકડાઈ ગયો હતો.પોલીસે આ શખસોની બેગ ચેક કરતા એમાંથી સળિયા કાપવા અને લોક તોડવાનાં સાધનો મળ્યાં હતાં. ડિસમિસ, પાના પકડ અને ગિલોલ જેવાં સાધનો મળ્યાં હતાં, જેથી પોલીસે આ શખસોની કડકાઈથી પૂછપરછ કરી હતી, ત્યારે તેઓ ભાંગી પાડ્યા અને તેઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન, મનસોર સુવાસરા વિસ્તારના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને તેઓ ગુજરાતમાં ફુગ્ગા વેચવા માટે પરિવાર સાથે આવ્યા હતા. આ ગેંગના પરિવારના અન્ય સભ્યો દિવસ દરમિયાન ફુગ્ગા વેચતા હોય છે, જ્યારે રાત્રિના સમયે વડોદરા શહેરી વિસ્તારમાં ચડ્ડી બનિયાનનો વેશ ધારણ કરી ચોરીને અંજામ આપતા હતા.આ ગેંગના મોટા ભાગના સભ્યોની છાતી ઉપર ચામાચીડિયા જેવું ટેટૂ કોતરાવેલું હોય છે. મધ્યપ્રદેશના આ લોકોએ ભેગા મળીને તેમની ગેંગને ચામાચીડિયા ગેંગ નામ આપ્યું છે. આ આંતરરાજ્ય ગેંગ છે. અગાઉ ઉજ્જૈનમાં પોલીસ પર હુમલો કરવાના ગુનામાં પણ એક આરોપી દેવરાજ ઉર્ફે દેવા ભૂરિયા સોલંકી ઝડપાયો હતો. ૪ આરોપીને નહીં પકડાતાં તેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે તસ્કરો પાસેથી ચોરી કરવા માટેનો રૂ.૫ હજારનો સામાન પણ જપ્ત કર્યો છે.આ ગેંગના સભ્યો વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર ઊતરે છે અને ત્યાંથી રેલવેટ્રેક પર ચાલતાં ચાલતાં ૧૨ કિમી દૂર માંજલપુર ગામ પાસે આવે છે. ત્યાં ફુગ્ગા વેચવાના બહાને કે લારી ચલાવવાના બહાને રેકી કરે છે અને બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્લાન બનાવે છે. અલગ અલગ ટીમો બનાવીને ચડ્ડી-બનિયાન પહેરીને ચોરી કરવા માટે સોસાયટીમાં ઘૂસી જાય છે. ચોરી થયા પછી આ ટોળકી અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જાય છે. એક ટીમ ચોરી કરવાનાં સાધનો લઈને ભાગી જાય છે, જ્યારે બીજી ટીમ મુદ્દામાલ લઇને ભાગી જાય છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં ભાગે છે.પોલીસના હાથે જે ટીમ લાગી એની પાસેથી ચોરી કરવાની સાધનસામગ્રી મળી આવી છે, જેમાં મુખ્ય આરોપી દેવરાજ સોલંકી અને કબીર સોલંકી છે અને એક ૧૬ વર્ષનો સગીર છે. આ ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીએ માંજલપુરમાં ૩ અને મકરપુરામાં ૧ ગુનો આચર્યો છે. જ્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં નીલગંગા, ચીમનગંજ અને મહાકાલ પોલીસ સ્ટેશનમાં ચોરી, હત્યાનો પ્રયાસ અને પોલીસ પર હુમલાનો ગુનો નોંધાયેલો છે. આરોપીઓ પારધી જ્ઞાતિના છે અને તેઓ ચોરી કરે છે. આરોપીઓએ મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે.







































