વડોદરાના પાદરા તાલુકામાં વડું ખાતે એનડીપીએસના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ, અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખના ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવ્યા હતા.
ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક હેઠળના શિવલખા ખાતે રહેતા અનિલસિંહ અમરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા નામના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખૂન સહિત મારામારી ના વિવિધ ૬થી વધુ ગુનાઓ નોંધાયેલ છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબીંગ ગુનાઓ દાખલ છે. તંત્રએ અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા અગોરા મોલના ક્લબ હાઉસ પરના દબાણો તોડવાની કામગીરી કોર્પોરેશને શરૂ કરી હતી. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા ૬ જેસીબી, અધિકારીઓ અને પોલીસ સહિત ૨૫ કર્મચારીઓ તૈનાત સાથે કામ કરી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાણ શાખાની ટીમ આજે સવારે પોલીસ કાફલા સાથે શ્રી બાલાજી ગ્રુપના અગોરા મોલ પર પહોંચી હતી અને વિશ્વામિત્રી નદીના કિનારે અગોરા મોલ દ્વારા ગેરકાયદેસર રીતે બનાવેલ ક્લબ હાઉસને તોડી પાડવાનું શરૂ કર્યું હતું. ૩૦૦૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા ૩ માળના ક્લબ હાઉસના ડિમોલિશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ક્લબ હઉસને હટાવવાથી વિશ્વામિત્રી રિવરફ્રન્ટનો વધારાનો ૩,૦૦૦ ચોરસ ફૂટનો વિસ્તાર ખુલશે.









































