શહેરના વાઘોડિયારોડ હાઇવે ચોકડી પાસે આવેલા સનરાઇઝ કોમ્પલેક્સમાંથી પીસીબી પોલીસે રેડ પાડીને કુંટણખાનુ ઝડપી પાડ્યુ હતુ. જેમાંથી મહિલા દલાલ અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડવામા આવ્યા હતા. પોલીસને ફ્લેટમાંથી ત્રણ કોલગર્લ પણ મળી આવી હતી. આ મામલામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ દેહ વેપારમાં સુરતના વ્યક્તિએ પોતાની જ ૧૨ વર્ષની દીકરીને અહીં ધકેલી હતી. પોલીસ તપાસમાં આ માહિતી સામે આવી છે.
આ કેસમાં આજે માહિતી મળી છે કે, સુરતમાં રહેતા પિતાએ જ પોતાની ૧૨ વર્ષની બાળકીને આ દેહ વેપારમાં ધકેલી હતી. આ બાળકી સુરતથી વડોદરા આવી છે. પિતા જ દીકરીનો દુશ્મન બન્યો હોવાના તમામ પુરાવા પણ પોલીસને તપાસમાં મળ્યા છે. આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, અન્ય ઝડપાયેલી મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી આવી છે.
શહેરના વાઘોડિયારોડ પર કુટણખાનુ ચાલતું હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં જઇને તપાસ કરતા હાઇવે ચોકડી પાસે આવેલા સનરાઇઝ કોમ્પલેક્સના ત્રીજા માળે કૂટણખાનુ ચાલતું હોવાની માહિતી મળી હતી. જેથી, પોલીસે એક ડમી ગ્રાહકને મોકલી રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને ફ્લેટમાંથી ત્રણ ગ્રાહકો અને સાત કોલગર્લ મળી આવી હતી. જ્યારે કૂટણખાનુ ચલાવતી રીટા ઉર્ફે ચંદ્રિકા પટેલ પણ મળી આવી હતી.જાકે, અચાનક પોલીસ કોમ્પલેક્ષમાં આવતા આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું હતું અને સ્થાનિકોના ટોળે ટોળા અહીં આવ્યા હતા.
આ કુટણખાના અંગે તપાસમાં માહિતી સામે આવી હતી કે, જે ગ્રાહકો કોઇનો રેફરન્સ લઇને આવે તેમને જ કૂટણખાનામાં એન્ટ્રી હતી.અને એક ગ્રાહક દીઠ ૪૦૦થી ૫૦૦ રૂપિયા લેવામાં આવતા હતા. રીટા પટેલ નામની મહિલા દલાલ મૂળ બોડેલીની વતની હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
જે ફ્લેટમાં કૂટણખાનુ ચાલતુ હતું .તે ફ્લેટમાં રીટા પટેલ છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આ ફ્લેટ તેણે વેચાણથી રાખ્યો હતો. તેના કહેવા પ્રમાણે આ ફ્લેટનો વેચાણ દસ્તાવેજ તેણે કર્યો નહતો. જેથી,પોલીસે ફ્લેટની માલિકી અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ફ્લેટમાં છેલ્લા છ મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. જાકે, કોમ્પલેક્સના રહીશો અને નીચે દુકાન ધરાવતા વેપારીઓને પણ આવો ગોરખધંધો અહીં થઇ રહ્યો છે તેની જાણ ન હતી.