વડેરા ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ગ્રામજનોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. લોકોને સમજાવવામાં આવ્યું કે આ રોગોના મચ્છરો ચોખ્ખા, ખુલ્લા અને બંધિયાર પાણીમાં પેદા થાય છે. ગ્રામજનોને તેમના ઘરની અગાશી, ફળિયા કે આજુબાજુમાં પડેલા જૂના ભંગાર, ડબ્બા-ડુબલી કે ટાયરમાં વરસાદી પાણી ન ભરાય તેની કાળજી રાખવા અથવા તેનો યોગ્ય નિકાલ કરવા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગામના ૩૦ જેટલા ખુલ્લા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ છોડવામાં આવી. આ કામગીરીને સફળ બનાવવા માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ સપનાબેન રાણવા, ડી.જી. રાજ્યગુરુ, બીલકીસબેન ભટ્ટી અને કાજલબેન જાદવે જહેમત ઉઠાવી હતી.