સમગ્ર રાજ્યમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે રક્તદાન મહાદાનની સેવાકીય પ્રવૃત્તિઓ રૂપે ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડીયામાં આવેલ સરકારી (સિવિલ) હોસ્પિટલ ખાતે એક મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રેકોર્ડ બ્રેક ૧૦૪ બોટલ લોહી એકઠું કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ગાંગણા, વડીયા સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. જેમાં વડીયાના સરપંચ મનીષભાઈ ઢોલરીયા, તુષારભાઈ ગણાત્રા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક, તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા, શૈલેષભાઈ ઠુંમર, અશ્વિનભાઈ મહેતા તેમજ વડીયા તાલુકાભરના સરપંચો અને ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ પણ ખાસ ઉપસ્થિત રહીને પોલીસ વિભાગના આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.









































