વડીયા તાલુકો રોજગારીની તકોના અભાવે સ્થળાંતરનો સામનો કરી રહ્યો છે. અનેક પરિવારો સુરત, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, વલસાડ, વાપી અને મુંબઈ જેવા શહેરોમાં સ્થાયી થયા છે. આ પરિવારોની ખેતી અહીં હોવાથી રોજબરોજ અનેક લોકો આવન-જાવન કરે છે. ભૂતકાળમાં વડીયામાં માત્ર જેતલસર-ઢસા મીટરગેજ ટ્રેન ચાલતી હતી. હવે રેલવે ટ્રેક બ્રોડગેજ અને ઇલેક્ટ્રિફાઇડ બનતાં અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતના શહેરો સાથે સીધી કનેક્ટિવિટી શક્ય છે. સાંસદની ચૂંટણી પહેલાં સોમનાથ-બનારસ સાપ્તાહિક ટ્રેનના સ્વાગત વખતે નેતાઓએ વંદે ભારત ટ્રેન સહિત અનેક લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવાના વચનો આપ્યા હતા. વર્તમાન સાંસદ ભરતભાઈ સુતરીયાને વડીયા-કુંકાવાવ તાલુકામાંથી મોટી સંખ્યામાં મત મળ્યા છે. લોકોની માગ છે કે તેઓ આ વિસ્તારની રેલવે સુવિધાઓ વધારવા આગળ આવે અને ખાસ કરીને સુરત-અમદાવાદની ડેઇલી ટ્રેન તેમજ લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાવે.