વડીયામાં મામલતદાર કચેરીના પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. જેમાં રેશનકાર્ડ તથા અન્ય અગત્યના દસ્તાવેજા બહાર કચરાના ઢગલામાં રઝળતા જાવા મળતા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. વડીયા મામલતદાર કચેરી અવારનવાર કોઇ ને કોઇ મામલે વિવાદમાં આવતી હોય છે. અગાઉ પણ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લોકોને રેશનકાર્ડ સુધારામાં કરાતી હેરાનગતિ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ મામલામાં ભીનુ સંકેલાઇ ગયુ હતું. ત્યારે હવે પુરવઠા વિભાગના રેશનકાર્ડ, અરજદારોની અરજીઓ, ફોટાઓ, જરૂરી આધારો વગેરે જરૂરી કાગળો કચરાના ઢગલામાં અને બાલમંદિરના રૂમમાં રઝળતા જાવા મળતા ફરી મામલતદાર કચેરી વિવાદમાં આવી છે. ત્યારે આ પ્રકારની બેદરકારી બદલ જવાબદારો સામે પગલા લેવામાં આવશે કે કેમ? તેના પર લોકોની મીટ મંડાયેલી છે.