વડીયાની ભાગોળે આવેલા અમરનગરની સરકારી પ્રાથમિક શાળામાં કોરોનાનો ૧ કેસ નોંધાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાનો કેસ નોંધાતા અન્ય વિદ્યાર્થીઓને ચેપ ન લાગે તે માટે સ્કૂલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
જેતપુર તાલુકાના અને વડીયાની સરહદે આવેલા એવા અમરનગરની સરકારી પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીને કોરોનાના લક્ષણો જણાતા તેનો આરટીપીસીઆર રિપોર્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ અન્ય વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના સેમ્પલ, રિપોર્ટ માટે મોકલાયા છે. શાળામાં એક કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દોડતું થયું છે. શાળામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને ૮ દિવસ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અનેક શાળાઓમાં કોવિડ ગાઇડલાઇનનો ઉલાળિયો કરી કોરોનાને આમંત્રણ અપાઇ રહ્યું છે.