અમરેલી જિલ્લાના વડીયા તાલુકા મથકમાં જર્જરિત બિલ્ડીંગમાં સરકારી હોસ્પિટલ ચાલી રહી છે. વડીયા તાલુકા મથક હોવા છતાં, અહીં આરોગ્યની પૂરતી સુવિધાનો અભાવ છે. અમરેલીથી ૫૦ કિમી, રાજકોટથી ૭૫ કિમી અને જૂનાગઢથી ૬૦ કિમીના અંતરે આવેલા આ વિસ્તારમાં આરોગ્ય સુવિધાનો વિકાસ થાય તે અતિ આવશ્યક છે. વડીયાની સરકારી હોસ્પિટલમાં માત્ર બે એમ.બી.બી.એસ. ડોક્ટરોથી કામ ચાલે છે. ગાયનેક, ઓર્થો, એમડી, એમએસ જેવા નિષ્ણાત ડોક્ટરોની અછતને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજાશાહી સમયના બિલ્ડીંગમાં પૂરતી જગ્યા અને સુવિધાના અભાવે દર્દીઓને યોગ્ય સારવાર મળી શકતી નથી. વર્તમાન સરકારે અનેક નાની હોસ્પિટલોને અપગ્રેડ કરીને ૫૦ બેડની હોસ્પિટલો બનાવી છે. ત્યારે વડીયામાં પણ ૫૦ બેડની આધુનિક હોસ્પિટલ બનાવવાની માંગ ઉઠી છે. જો આ સુવિધા ઉપલબ્ધ થાય, તો વડીયા અને આસપાસના ૪૫ ગામો તેમજ ભેસાણ, જેતપુર અને ગોંડલ તાલુકાના લોકોને પણ લાભ મળી શકે છે. લોકો સરકાર પાસે આ બાબતે હકારાત્મક વલણ દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.