વડીયાના તોરી ગામે એક વાળંદે ગાળો આપવાની ના પાડતાં તલવારની મુંધરાટી મારી હતી. તેમજ ઈજા પહોંચાડીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે જીગ્નેશભાઇ ગભરૂભાઇ મયાત્રા (ઉ.વ.૪૨)એ ચીરાગપરી ચંદુપરી ગોસાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના ઘર પાસે આરોપી નાની-મોટી ચીજવસ્તુઓ મૂકી જતો હતો. જેથી તેમણે આ બાબતે આરોપીને ત્યાં વસ્તુઓ મૂકવાની ના પાડી હતી. આ અંગે આરોપીને સારું ન લાગતા તેણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી. જ્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરમાંથી તલવાર લઈને આવ્યો હતો. આરોપીએ તલવાર વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને શરીરના વિવિધ ભાગો પર મુંઢ ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.









































