સમગ્ર રાજ્યમાં હાલ ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ગ્રામીણ તાલુકા એવા વડીયા કુંકાવાવમાં સાત ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર હતી. આ સાત ગ્રામ પંચાયતમાંથી બે ગ્રામ પંચાયત સમરસ બની છે. જેમાં ખજૂરી ગ્રામ પંચાયતના સરપંચ પદે કલ્પનાબેન હસમુખભાઈ વાળા અને જીથુડી ગ્રામ પંચાયતના સરપંચ પદે હિંમતભાઈ લવજીભાઈ રામાણીની બિનહરીફ વરણી થઈ છે. બાકી રહેલી પાંચ ગ્રામ પંચાયત જેમા દેવળકી, ખાનખીજડીયા, માયાપદર, ભૂખલી સાંથળી, દડવા રાંદલમાં ચૂંટણી યોજાશે. આ પાંચ ગ્રામ પંચાયતમાં હાલ સરપંચ પદ માટે ૧૩(તેર) ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ ખાનખીજડીયા ગામમાં ચાર ઉમેદવારો મેદાનમાં છે, દેવળકીમાં ત્રણ અને માયાપદરમાં બે, ભૂખલી સાંથળીમાં બે અને દડવા રાંદલમાં બે ઉમેદવારો મેદાનમાં છે.