અમરેલી જિલ્લાના છેવાડાના વડીયા-કુંકાવાવમાં તાલુકા કક્ષાના અધિકારીઓની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાથી હાલ ઈન્ચાર્જમાં તંત્ર ચાલે છે. આ સ્થિતિમાં તંત્રથી રૂટિન કામગીરી થાય છે, કોઈ ખાસ કામ થાય નહિ અને તંત્ર રામભરોસે હોય તેમ ચાલે છે. આથી અનેક ગેરકાનૂની પ્રવૃત્તિઓને મોકળું મેદાન મળે તે સ્વાભાવિક છે. તાલુકાનું મોટાભાગનું ચાર્જમાં ચાલતું તંત્ર અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. એક બાજુ કોઈ કાયમી અધિકારીઓની અહીં નિમણૂક થતી નથી તો બીજી બાજુ પેધી ગયેલા કર્મચારીઓની બોલબાલા હોય તેવું વાતાવરણ અહીં જોવા મળે છે. સમગ્ર તાલુકાના ચાર્જમાં ચાલતા તંત્રમાં લાંબા સમયથી ઘણા કર્મચારી અહીં રાજકીય આશીર્વાદથી પોતાની મનમાનીથી તંત્ર ચલાવતા જોવા મળે છે તો બીજી બાજુ ઈમાનદાર અને કર્મઠ કર્મચારીઓ પીસાતા નજરે પડે છે. તેનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે. તાલુકાના લોકોની સમસ્યાઓ વધુ ઘેરાતી જાય છે સાથે ભ્રષ્ટાચાર અને લાગવગશાહી પણ માજા મૂકી રહી છે.