અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડીયામાં PGVCL તંત્રની બેદરકારીને કારણે રવિવારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.નવરાત્રિ પછીનો અને દિવાળી પહેલાંનો સમયગાળો ગૃહિણીઓ માટે ઘરની સફાઈનો મુખ્ય સમય ગણાય છે. આવા સમયે વીજળી અને પાણીની તાતી જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે જ વડીયા પીજીવીસીએલ તંત્રને મેન્ટેનન્સની કામગીરી કરવાનું સૂઝ્યું હતું. પીજીવીસીએલ દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપોમાં જેટકોના મેન્ટેનન્સને કારણે સવારે ૮ વાગ્યાથી ૨ વાગ્યા સુધી વીજકાપ રાખવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસની વિરુદ્ધમાં સવારે ૮ના બદલે ૭ વાગ્યે જ વીજકાપ શરૂ કરી દેવામાં આવ્યો હતો, અને બપોરે ૨ઃ૩૫ વાગ્યે વીજ પુરવઠો પૂર્વવત્ થયો હતો. દિવાળીના સફાઈ અભિયાનની મોસમમાં આ લાંબા વીજકાપથી વડીયાની ગૃહિણીઓના ઘરકામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા હતા. વીજળી ન હોવાથી ગ્રામ પંચાયત દ્વારા પાણી વિતરણમાં પણ ફરજિયાત પાણીકાપ મૂકવો પડ્યો હતો. વીજકાપના કારણે ગરમીમાં લોકો શેકાઈ ગયા હતા. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ‘દિવાળી ટાણે જ રિપેરિંગ સૂઝે છે,’ અને ઘરે ઘરે વીજકર્મીઓ વિરુદ્ધ કકળાટ જોવા મળ્યો હતો.
‘જાડી ચામડીના’ અધિકારીઓની મનમાની
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, જેટકોનું મેન્ટેનન્સ તો સવારે ૧૦ઃ૪૫ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું અને પાવર ચાલુ કરી આપવા જણાવાયું હતું, પરંતુ પીજીવીસીએલના ‘જાડી ચામડીના’ અધિકારીઓના મનસ્વી નિર્ણયોને કારણે વીજકાપ લંબાવવામાં આવ્યો હતો. લોકોએ સતત ફોન કરવા છતાં બે કલાક બાદ વીજળી આવવાની અસ્પષ્ટ માહિતી અપાઈ હતી. અંતે, સ્થાનિક પત્રકારો દ્વારા પૂછપરછ રૂપી કોલ કરવામાં આવતા જાણે ડહાપણ આવ્યું હોય તેમ વીજળી ચાલુ કરવામાં આવી હતી. આ ‘ઢંગધડા વગરના’ આયોજનથી સમગ્ર વડીયાના લોકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.




































