અમરેલી જિલ્લાના વડીયામાં આધુનિક પશુ હોસ્પિટલ બનાવવાની યોજના છેલ્લા પાંચ વર્ષથી કાગળ પર જ રહી ગઈ છે. ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પણ મહેસૂલ વિભાગના ડીએલઆર અને મહેસૂલ વિભાગ વચ્ચે જાણે ‘ખો-ખો’ની રમત ચાલી રહી હોય તેમ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય અટકી પડ્‌યું છે.
વડીયાને અદ્યતન પશુ હોસ્પિટલ મળે તે માટે પાંચ વર્ષ પહેલાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતે બરવાળા રોડ પર આઈટીઆઈ સામે જમીન ફાળવવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. જો કે, સ્થાનિક સ્તરે કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ ફાઈલ મહેસૂલ વિભાગમાં પહોંચતા છેલ્લા પાંચ વર્ષથી ડીએલઆર અને મહેસૂલ વિભાગ વચ્ચે કોઈ સંકલન જોવા મળતું નથી.
સ્થાનિક પશુ ચિકિત્સકે આ અંગે ત્રણથી ચાર વખત રજૂઆત કરી હોવા છતાં, બંને વિભાગો એકબીજાને જવાબદારી સોંપીને જાણે ‘ખો-ખો’ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વિભાગોની ઢીલી નીતિના કારણે વડીયા વિસ્તારના પશુપાલકો છેલ્લા પાંચ વર્ષથી આ હોસ્પિટલની સુવિધાથી વંચિત રહ્યા છે.
વડીયા વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ પણ અવારનવાર અહીંથી પસાર થાય છે, પરંતુ સ્થળ નિરીક્ષણ કર્યા પછી આ પ્રકરણને જાણે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ, સરકારના બે વિભાગો વચ્ચેની આ લડાઈમાં કોઈ સંકલન કરાવનાર કે ધારાસભ્ય સુધી આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરનાર વ્યક્તિ જ ન હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. હવે જોવાનું એ છે કે શું આ પશુ દવાખાનાની જમીન ફાળવણી અને આધુનિક બિલ્ડિંગ માટે તાત્કાલિક કાર્યવાહી થાય છે કે પછી લોકોનું સાંભળનાર કોઈ નથી તેવી સ્થિતિ યથાવત રહેશે.