વડીયામાં આજે પરિવર્તન પેનલના સમર્થનમાં ઇસુદાન ગઢવીનો રોડ શો અને સભા યોજાઇ હતી. ભાજપના ગઢ ગણાતા વડીયામાં હાલ ત્રણ પેનલો ચૂંટણી મેદાનમાં છે. જેમાં બે ભાજપ પ્રેરિત ઉમેદવારોની પેનલો અને એક આમ આદમી પાર્ટી પ્રેરિત પેનલ ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલના સરપંચ પદના ઉમેદવાર પ્રમોદભાઈ ગઢીયા અને તેના વોર્ડ સભ્યોના સમર્થનમાં વડીયાની મુખ્ય બજારમાં રોડ શો કરી વડીયા સ્થિત લોહાણા મહાજન વાડીમાં એક ચૂંટણી સભા યોજવામાં આવી હતી. આ સભામાં ઇસુદાન ગઢવીએ સરકાર દ્વારા લેવાતા ટેક્સ અને એ ટેક્સના રૂપિયા બહુચસિયાના ખાતામાં જ જતા હોવાનું જણાવી એક યુવા, શિક્ષિત અને કાર્યશીલ પરિવર્તન પેનલના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.
વડીયાની બજારોમાં નીકળેલ રોડ શોમાં પણ લોકોનું સમર્થન જાવા મળ્યું હતું. ઈસુદાન ગઢવીએ લોકોને પોતાના સમર્થનવાળા ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. પરિવર્તન પેનલ પ્રેરિત આ આમ આદમી પાર્ટીના નેતાઓની સભાથી વડીયા ગ્રામ પંચાયત ચૂંટણીના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. આ ત્રિપાંખીયા જંગમાં કોણ બાજી મારી જાય છે તેના પર સૌની નજર છે. પરંતુ આ સભાથી ભાજપના ગઢમાં આપનો પગ પેસારો ચોક્કસ થતો જોવા
મળ્યો છે.