અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં ગુરુવારે “નારી વંદના ઉત્સવ” નામનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી મનીષાબેન મુલતાનીએ મહિલાઓના અધિકારો, સામાજિક સ્થિતિ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે નારી સન્માન પર પણ ભાર મૂક્યો હતો. કાર્યક્રમના એક ભાગ રૂપે કાનૂની શિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વરિષ્ઠ મહિલા વકીલ જયશ્રીબેન પારેખે મહિલાઓને લગતા કાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી રમાબેન, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક, તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમભાઇ હિરપરા, વડીયા સરપંચ મનીષભાઈ ઢોલરીયા અને પૂર્વ સરપંચ છગનભાઇ ઢોલરીયા સામેલ થયા હતા.