ભારતના બિનસાંપ્રદાયિક વારસાને જાળવી રાખતા, અમરેલી જિલ્લાના વડીયા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે વડીયાના મુખ્ય માર્ગો પર જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તહેવારની ઉજવણી દરમિયાન અનેક જગ્યાએ હિંદુ-મુસ્લિમ એકતાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. બંને ધર્મના લોકોએ એકબીજાને શુભકામનાઓ પાઠવીને ભાઈચારાની ભાવના પ્રદર્શિત કરી હતી. ઇદે મિલાદ અને ગણપતિ ઉત્સવના ધાર્મિક માહોલથી સમગ્ર વડીયા ગામ જાણે કોમી એકતાના રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વડીયા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.