અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત આરોગ્ય મેળામાં હજારો દર્દીઓએ વિવિધ રોગોની સારવાર લીધી હતી. આ મેળાનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડે કર્યું હતું. આ આરોગ્ય મેળામાં હૃદયરોગ, જનરલ સર્જરી, માનસિક રોગ, કાન-નાક-ગળા, સ્કિન, સ્ત્રીરોગ, બાળરોગ, આંખ અને દાંત જેવા વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી અને જરૂરી સારવાર આપી હતી.
આ સાથે જ દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ મેળામાં વડીયા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકો માટે આ મેળો વરદાનરૂપ સાબિત થયો છે. આ મેળામાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમર, સરપંચ મનીષ ઢોલરીયા, તુષાર ગણાત્રા સહિત સ્થાનિક લોકો અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી. આ આરોગ્ય મેળાને સફળ બનાવવા માટે સ્થાનિક ડોક્ટરો, ડો. ડોડીયા, ડો. પીઠવા સહિત આરોગ્ય કેન્દ્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.