વડિયામાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડિયામાં ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું રીબીન કાપીને વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ પૂરો પાડ્યો હતો. ઉદધાટન બાદ ગઢવીએ ઢોલ-નગારાના નાદ સાથે વડિયાની મુખ્ય બજારમાં ભવ્ય પદયાત્રા યોજી હતી. તેમણે વેપારીઓ અને સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધીને પરિવર્તન લાવવા તેમજ ‘આપ’ના ઉમેદવારોને વિજયી બનાવવા ભાવભરી અપીલ કરી હતી. ઈસુદાન ગઢવીની આ આકસ્મિક મુલાકાતથી વડિયાના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે અહીં ત્રિપાંખિયો જંગ જામ્યો છે.










































