અમરેલી જિલ્લાનો વડીયા કુંકાવાવ તાલુકો સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર હોવાને કારણે વિકાસની બાબતમાં ઘણો પાછળ રહી ગયો છે. વર્ષોથી લોકો આ તાલુકાને પછાત તરીકે ઓળખે છે. તાલુકાને આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે સરકારી અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. વડીયા કુંકાવાવ તાલુકામાં વિકાસનાં કાર્યો, કાયદો અને વ્યવસ્થા, જમીન મહેસૂલ અને આરોગ્ય જેવી મુખ્ય જવાબદારીઓ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી જેવા મુખ્ય અધિકારીઓ પર હોય છે પરંતુ કમનસીબે, તાલુકામાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ તાલુકો સજાનું સ્થળ બની ગયો છે. પરિણામે, કોઈ અધિકારી અહીં નોકરી કરવા ઇચ્છતો નથી અને મોટાભાગની મુખ્ય જગ્યાઓ ખાલી રહે છે. હાલમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ અધિકારી, સબ રજીસ્ટાર અને પીઆઈ જેવી મહત્વની પોસ્ટ ખાલી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર જાણે ઇન્ચાર્જ પર ચાલી રહ્યું છે. વડીયા કુંકાવાવ તાલુકાને સજાના કેન્દ્રમાંથી બહાર કાઢવા માટે ખાલી પડેલી મુખ્ય અધિકારીઓની જગ્યાઓ પર કાયમી નિમણૂક થવી જોઈએ. જો આમ થશે તો લોકોને તેમની સમસ્યાઓ સાંભળનાર કાયમી અધિકારીઓ મળશે અને આ પછાત તાલુકો વિકાસની દિશામાં આગળ વધી શકશે. તાજેતરમાં રાજ્ય સરકારે મામલતદાર, ટીડીઓ અને પીઆઈની બદલીના આદેશો કર્યા, પરંતુ ખાલી જગ્યાઓ યથાવત રહી અને કાયમી તાલુકા વિકાસ અધિકારીની પણ અન્ય જિલ્લામાં બદલી થતાં તેમની જગ્યા પણ ઇન્ચાર્જને સોંપવામાં આવી છે. સ્થાનિક નેતાઓએ હવે જાગવાની અને તાલુકાના વિકાસની ચિંતા કરવાની જરૂર છે. વડીયા કુંકાવાવ તાલુકામાં ખાલી પડેલી તમામ જગ્યાઓ પર કાયમી અધિકારીઓની નિમણૂક કરાવવી જોઈએ. આ ઉપરાંત, વડીયામાં સરકારી અધિકારીઓ માટે પાયાની સુવિધાઓ વિકસાવવા માટે પણ પ્રયત્નો કરવા જોઈએ. આ સ્થાનિક લોકોની એક મોટી માંગણી છે કે તેમના તાલુકા પરથી પછાતપણાનું કલંક દૂર થાય.