જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાના રૂટ પર અનેક સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડીયાના હરભોલે મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી સતત પાંચ દિવસ સુધી ગરમ ચા અને પીવાના શુદ્ધ પાણીની વિનામૂલ્યે સેવા ૨૪ કલાક આપવામાં આવે છે. હજ્જારો લોકો આ ચા-પાણીની સેવાનો લાભ લઇ ત્યાં વિસામો લેતા જોવા મળે છે. આ વર્ષે પણ હરભોલે મિત્ર મંડળ દ્વારા યાત્રિકોને ચા-પાણીના સેવા યજ્ઞમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ પણ જોડાયા હતા. તેમણે પણ યાત્રિકોને ચા-પાણી પીરસવાની સેવાનો લાભ લીધો હતો. હરભોલે મિત્ર મંડળના હિતેષભાઇ વોરા, રાજુભાઈ રાંક, રમેશભાઈ આસોદરિયા, વિજયભાઈ રાણપરીયા, જીગ્નેશભાઈ ડોબરીયા તથા વડીયાના યુવાનો અને વડીલોએ જહેમત ઉઠાવી પરમાર્થનું કાર્ય કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.