વડીયા તાલુકાના સનાળા ગામે જૂની અંગત અદાવતના કારણે એક શખ્સે ફરિયાદી અને સાક્ષી પર હુમલો કરી, તેમની મોટરસાયકલોને નુકસાન પહોંચાડ્‌યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આરોપીએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉદયભાઇ જીતુભાઇ વાળા (ઉ.વ.૧૮) એ બાબાભાઇ મેરાભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સનાળા ગામે આરોપીના બગીચા પાસે આવેલ અવેડા પાસે તેઓ પોતાની મોટરસાયકલ (રજી. નં. GJ-૧૧-AE-૩૦૦૩) લઈને ઊભા હતા. આરોપીને તેમની સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ન હોવા છતાં બગીચા પાસે ઊભું રહેવું ન ગમતાં આરોપીએ આ કૃત્ય કર્યું હતું. ગુસ્સે ભરાયેલા આરોપીએ પોતાની ફોરવ્હીલ (રજી. નં. GJ-૦૧-KN-૨૩૦૦) ફરિયાદીની મોટરસાયકલ સાથે અડાડી દીધી હતી, જેનાથી તેમની શારીરિક સલામતી જોખમમાં મુકાઈ હતી. તેઓ મોટરસાયકલ પરથી નીચે ઊતરતા જ આરોપી પણ ફોરવ્હીલમાંથી નીચે ઊતર્યો હતો અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત બંને પગે લોખંડના પાઇપ વડે માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. તેમજ જમણા હાથની આંગળી પર પણ સામાન્ય ઇજા પહોંચાડી હતી. આ કૃત્યમાં ફરિયાદી અને સાહેદ બંનેના મોટરસાયકલને આશરે રૂ. ૨૦,૦૦૦/- નું નુકસાન થયું હતું.
આભાર – નિહારીકા રવિયા અંતે, આરોપીએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી. બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.