અમરેલીના વડીયા તાલુકાના વડીયાથી અમદાવાદ તેમજ સુરત જવા માટે બસો ફાળવવા માટે મુસાફર વર્ગની વર્ષો જુની માંગણી હતી. જેના અનુસંધાને રાજય સરકાર દ્વારા નવી બસો ફાળવવામાં આવ્યા બાદ વડીયા એસટી ડેપો દ્વારા વડીયાથી કૃષ્ણનગર અને વડીયાથી સુરત એમ બે નવા રૂટ શરૂ કરવામાં આવતાં બે નવી બસો ફાળવવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ વડીયા એસટી બસ સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતું. બસો શરૂ થતાં મુસાફર વર્ગને સારી સુવિધા મળશે. વડીયા-અમદાવાદ બસ બપોરના ૪ કલાકે વડીયાથી મળશે જે બગસરાથી સાંજે ૭ કલાકે મળી શકશે.