અમરેલી જિલ્લામાં એક સગીરાને અશ્લીલ ઇશારા કરી શરીર સંબંધ બાંધવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે બીજી સગીરાને ચરખડીયા ગામે સીમ વિસ્તારમાંથી બદકામના ઇરાદે ભગાડી જવામાં આવી હતી. વડીયાના મોરવાડા ગામના સાગરભાઇ જયસુખભાઇ મકવાણા તથા અનીલભાઇ કાળુભાઇ મકવાણા સામે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ ભોગબનનાર સગીર વયની છે તેમ જાણવા છતાં અવાર-નવાર પીછો કરી જાહેર સ્થળે અશ્લીલ શબ્દો બોલી ત્રાસદાયક કૃત્ય કર્યું હતું. આટલું જ નહીં અશ્લીલ ઇશારાઓ કરી શરીર સંબંધ બાંધવાની માંગણીઓ કરી જાતીય સતામણી કરી હતી. તેમજ આબરૂ જાય તેવા અશ્લીલ શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ સી. એન. દવે વધુ તપાસ કરી રહ્યા છે. મધ્યપ્રદેશના અલીરાજપુરના અને હાલ ચરખડીયા ગામની સીમમાં રહેતા સગીરાના પિતાએ તેમના જ રાજ્યના લાલસિંહ રેમુભાઈ ડાવર સામે તેમની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.