અમરેલી જિલ્લાના વડીયા ગામના કૃષ્ણપરા વિસ્તારના બિસ્માર રસ્તાને તાત્કાલિક બનાવવા માટે વડીયા ગ્રામ પંચાયતના સભ્ય ડોડિયા જુનેદે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર ૬માં હવેલી શેરી, ભરવાડ શેરી અને આંગણવાડી પિપળીયા નાકા પાસેનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે અને તૂટી ગયો છે. હવેલી શેરીમાં રામ મંદિર અને કૃષ્ણ ભગવાનનું મંદિર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ચોમાસામાં વરસાદ અને ગટરનું પાણી ભરાવાના કારણે રસ્તા પર ખાબોચિયાં સર્જાય છે, જેના લીધે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે અને મચ્છરજન્ય રોગ ફેલાવાની શક્યતા રહે છે.
આંગણવાડી પાસે તો ગટરનું પાણી ૨૪ કલાક ભરાયેલું રહે છે, જ્યાં નાના બાળકો ગંદકીમાં અભ્યાસ કરે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ડોડિયા જુનેદે ૨૦૧૫ની વડીયા હોનારત બાદ રસ્તા વધુ ખરાબ થયા હોવાનું જણાવ્યું છે. તેમણે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી ગ્રાન્ટ ન હોવાનું કારણ આપવામાં આવ્યું છે. આથી તેમણે નાયબ મુખ્ય દંડકને આ વિસ્તારમાં બ્લોક રોડ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવીને પ્રશ્નનું નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો. આ પત્રની નકલ વડીયાના સરપંચને પણ મોકલવામાં આવી છે.