સમગ્ર રાજયમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે રાજયનું આરોગ્ય વિભાગ ઉંધા માથે થયુ છે આમ છતાં આ વાયરસ બાળકોનો ભોગ લઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા રાખવા છતાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. અમરેલી જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. વડીયા તાલુકાના બાંભણીયા ગામે બાલુભાઈ દેવજીભાઈ બોઘાણીની વાડીએ કામ કરતા દાહોદ જિલ્લાના મંડોરના શ્રમિક પરિવારમાં અર્જુનભાઈ ભુરીયાન પુત્ર આકાશમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સૌપ્રથમ ગોંડલ અને ત્યારબાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ વાયરસ છે કે નહી તેની પુષ્ટિ થશે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા વાડી વિસ્તારના ઘરોમાં જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.