અમરેલી જિલ્લામાં લૂંટારુઓની નવી તરકીબ સામે આવી છે. લૂંટ કર્યા બાદ જો કોઈ પ્રતિકાર કરે તો તેના પર હુમલો કરવામાં આવે છે. વડિયાના દેવગામે એક મહિલાના ઘરમાંથી ૮૬ હજારની લૂંટ કરીને જઈ રહેલા લૂંટારુઓને પડકાર ફેંકતા તેના પર ગીલોલથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાના આઠ દાંત પડી ગયા હતા. બનાવના પગલે ગામમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના અંગે જીતુબેન મનસુખભાઈ સાપરા (ઉ.વ.૪૦)એ બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ બે દિવસ પહેલા સાંજે સાડા ચાર વાગ્યે બે ઇસમો મોટર સાઇકલ લઇને તેમના ઘરે આવ્યા હતા. જેમાંથી એક ઇસમ ઘરની બહાર ચોકી કરવા ઉભો હતો અને બીજાએ ઘરમાંથી સોનાના દાગીના અને રોકડા એક હજાર મળી કુલ ૮૬ હજારની લૂંટ ચલાવી હતી. જેથી તેમણે તેને અટકાવી પકડવાની કોશિશ કરતાં ગીલોલથી પથ્થર મારીને મોઢા પર ઈજા પહોંચાડી હતી જેમાં તેમના આઠ દાંત પડી ગયા હતા. લૂંટ કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. વડિયા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એ.વી.સરિયા વધુ તપાસ કરી રહ્યા છે.