વડીયાના તોરી ગામે રિસામણે રહેલી પત્નીને દિવાળીના પર્વ પર તેડવા આવેલા જમાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે વડીયામાં રહેતા શૈલેષભાઈ સોમાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૪)એ વિજયભાઇ ગોબરભાઇ સાગઠીયા, ગોબરભાઇ સામતભાઇ સાગઠીયા, દિપ ગોબરભાઇ સાગઠીયા, શારદાબેન ગોબરભાઇ સાગઠીયા, પાયલબેન વિજયભાઇ સાગઠીયા તથા પત્ની નયનાબેન શૈલેષભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેના પત્ની છેલ્લા પંદરેક દિવસથી તેના પીયર તોરી ગામે રિસામણે હતા. બે દિવસ પહેલા પત્ની નયનાબેને ફોન કરીને કહ્યું કે દિવાળીનો તહેવાર આવે છે જેથી મને તથા આપણા બાળકોને તેડી જાવ તેમ કહેતા તેઓ પત્નીને તેડવા આવ્યા હતા. આ સમયે વિજયભાઈ સાગઠીયાએ કહ્યું કે તમે મને મકાનના કામ સબબ ઉછીના પૈસા આપવાના હતા તેનું શુ થયું? જેથી તેમણે કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી. જેથી તેમને ગાળો આપવા લાગ્યા હતા. ગાળો આપવાની ના પાડતા આરોપીને સારૂ નહોતું લાગ્યું અને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. જે બાદ દિપ ગોબરભાઈ સોંદરવા (ઉ.વ.૨૩)એ શૈલેષભાઈ સોમાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે, જમાઈ તેમની બહેનને તેડવા આવ્યા હતા અને આવીને ડેલીનો દરવાજો ખખડાવતા, તેમણે ખોલતા જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.