વડીયાના તાલાળી ગામે રહેતો યુવક સાસરીમાં મજૂરીકામે ગયો હતો. આ સમયે તેના ઘરમાં અજાણ્યા ઇસમો ત્રાટક્યા હતા. જેઓ રૂપિયા ૩૦ હજાર રોકડા સહિત સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.૧,૨૬,૫૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રસિકભાઇ સમજુભાઇ તરવાડીયા (ઉ.વ.૪૨) એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ જ્યારે પોતાના સસરાના ઘરે કામકાજ માટે ગયા હતા, તે દરમિયાન રાત્રિના સમયે ચોર ઈસમોએ તેમના બંધ મકાનની દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, ચોરોએ તેમના રૂમનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રાખેલ લોખંડના કબાટને નિશાન બનાવ્યો હતો. ચોર ટોળકીએ કબાટમાંથી સોનાનું ડોકિયું, સોનાની બુટી, સોનાની સેર અને રોકડા રૂપિયા ૩૦ હજાર સહિત કુલ રૂ.૧,૨૬,૫૦૦ની ચોરી કરી હતી. તેમજ સાહેદના ઘરમાંથી નાકમાં પહેરવાના સોનાના દાણા, ચાંદીનો જૂડો મળી કુલ રૂપિયા ૭,૦૦૦/-ની માલમત્તાની ચોરી થઈ હતી. બંનેના ઘરેથી કુલ રૂ. ૧,૩૩,૫૦૦ ના સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી થઈ હતી. વડીયા પોલીસ સ્ટેશના ઈન્ચાર્જ પીઆઈ એ.એન. ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.