વડિયાના ઈશ્વરીયા ગામે ઈલેક્ટ્રિક વાયરને લઈ કુટુંબીજનોમાં બબાલ થઈ હતી અને બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રણછોડભાઈ ડાયાભાઈ સોંદરવા (ઉવ.૪૦)એ નરેશભાઈ ખીમાભાઈ સોંદરવા સહિત ચાર લોકો સામે કરેલી ફરિયાદ પ્રમાણે, રણછોડભાઈની માલિકીની હદમાં આરોપીઓે મકાનનું ચણતર કરતા હતા. તેથી લાઇટનુ દોરડું કાપી નાંખ્યું હતું. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને જેમફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત પથ્થર અને નળીયાના છુટ્ટા ઘા માથામાં મારીને મુંઢ ઈજા કરી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. આ પછી ખીમભાઈ બાવાભાઈ સોંદરવા (ઉ.વ.૬૦)એ મનાભાઈ ગોરાભાઈ સોંદરવા સહિત પાંચ લોકો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ઘરે હતા ત્યારે આરોપીએ આવીને તમે અરજી કરીને ઈલેક્ટ્રિક લાઇનનો વાયર કેમ કઢાવી નાંખ્યો તેમ  કહ્યું હતું. જેથી તેમણે અમારા ઘર ઉપરથી વાયર જાય છે એટલે અરજી કરી હતી તેમ કહેતા તેઓ જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. ઉપરાંત પથ્થરના છૂટા ઘા મારી ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ વી.પી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.