વડીયા ઇન્ચાર્જ મામલતદાર કે.આઈ. સીંધી અને ઇન્ચાર્જ પુરવઠા નાયબ મામલતદાર કુલદીપસિંહ સિંધવ દ્વારા બાતમીના આધારે વડીયાના કૃષ્ણપરાના ગાયત્રી ચોક વિસ્તારમાં આવેલા એક ખાનગી મકાનમાં અમનભાઈ મનસુરભાઈ આદમાણીના ગોડાઉનમાં અનાજનો ગેરકાયદેસર જથ્થો હોવાની બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા ઘઉં, ચોખા, ધાણા, ધાણાનું ભુસુ, કપાસ સહિતનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગે પૂછપરછ કરતા તેની પાસે કોઈ અનાજ ખરીદ વેચાણનું બિલ, જીએસટી નંબર, પેઢીનું નામ, સ્ટોક રજીસ્ટર, fssaiનું લાઇસન્સ ના હોવાથી આ જથ્થો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યુ હતું. સાથે આ જથ્થામાં ૩૬૮૩.૩૪ કિગ્રા ઘઉં અને ૩૧૧.૧૪ કિગ્રા ચોખાનો જથ્થો કુલ રૂ.૧.૧૭ લાખનો મળી આવતા આ બાબતે તેમની પૂછપરછ કરતા આસપાસના વિસ્તારના ગામડાઓમાંથી સસ્તા અનાજની દુકાનોમાંથી લોકો મફત અનાજ લે છે તે એક કિલોના રૂપિયા ૨૦ લેખે ખરીદ કરેલ હોવાનું જણાવેલ હતું. સરકારના ચોપડે ગરીબી રેખા નીચે ગણાતા કુટુંબો જ આ અનાજ મફતમાં ખરીદી ઉંચા ભાવે વેચી સરકારને ઉલ્લુ બનાવતા હોવાનું સામે આવ્યુ હતું.