વડિયા ખાતે આવેલી મામલતદાર કચેરી હાલમાં વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતાનો જીવંત નમૂનો બની ગઈ છે. આ કચેરી વડિયા તાલુકાના અંદાજે ૪૪ ગામો માટે ન્યાય અને વહીવટનું મુખ્ય કેન્દ્ર છે, છતાં અહીંની ભૌતિક સુવિધાઓ અત્યંત દયનીય જોવા મળે છે. ખાસ કરીને કચેરીના બીજા માળ પર જ્યાં સિટી સર્વે ઓફિસ અને અન્ય મહત્વની સરકારી શાખાઓ આવેલી છે, ત્યાં લાંબા સમયથી લાદીઓ તૂટેલી અને ઉખડેલી હાલતમાં પડી છે. દૂર-દૂરથી આવતા ગ્રામીણ અરજદારો, મહિલાઓ અને અશક્ત વૃધ્ધોને આ જોખમી રસ્તા પરથી પસાર થવું પડે છે. સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને સુશાસનના બણગા ફૂંકે છે, પરંતુ અહીં પાયાની સુરક્ષાનો જ અભાવ દેખાઈ રહ્યો છે. ઉખડેલી લાદીઓને કારણે ગમે ત્યારે કોઈ વૃધ્ધ વ્યક્તિને ઠેસ વાગી શકે છે અથવા ગંભીર ઈજા થઈ શકે છે. પ્રજાના ટેક્સના પૈસા વપરાતા હોવા છતાં સામાન્ય જનતાએ આવી બદતર હાલતમાં કામ કરાવવું પડે છે તે શરમજનક બાબત છે. શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાયા પછી જ જાગશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.