અમરેલી જિલ્લાના વડિયાથી ગોંડલ-રાજકોટ તરફ જતા મુખ્ય માર્ગ પર સર્જાયેલી નવી સમસ્યાએ લોકોની ચિંતા વધારી છે. અગાઉ બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગના ખાડાઓ પુરાયા બાદ હવે ચોમાસાની સિઝનમાં ગાંડા બાવળનો ઉપદ્રવ વધ્યો છે. મુખ્ય માર્ગ અને વળાંકો પર ઉગી નીકળેલા ગાંડા બાવળ કોઈ મોટી દુર્ઘટના નોતરે તે પહેલાં તેને દૂર કરવાની માંગ સાથે અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ જુનેદ ડોડીયાએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર, મામલતદાર અને ટીડીઓને પત્ર લખ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ગાંડા બાવળની સમસ્યા વકરી છે, જે વાહનચાલકો માટે જોખમરૂપ બની શકે છે. આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.