અમરેલી જિલ્લાના વિકાસ વિહોણા વડિયા તાલુકામાંથી પસાર થતા વડિયા-બગસરા-અમરેલી રાજ્ય/રાષ્ટ્રીય હાઇવે પર ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વડિયા ગામમાં આંબેડકર હોલ પાસે આવેલી એલ આકારની ગોળાઈ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે. આ ખાડાઓ ગટર અને કચરાના નિકાલ માટે ઉપયોગમાં લેવાતા હતા, જેના કારણે તે ખૂબ ઊંડા અને પહોળા બની ગયા છે. હાઇવે પર માત્ર એક જ મોટું વાહન પસાર થઈ શકે તેટલી જ જગ્યા બચી છે. બે વાહનો સામસામે આવી જાય તો અકસ્માત નિશ્ચિત છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી સ્થિતિ વધુ વિકટ બને છે. સ્થાનિકોની વેદના છે કે, આ વિસ્તારમાં અનેક નાના-મોટા અકસ્માતો થઈ ચુક્યા છે. સ્થાનિકો ૧૦૦% અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, ખાસ કરીને વરસાદ દરમિયાન. ઘણા અધિકારીઓ અને નેતાઓ આ રસ્તા પરથી પસાર થાય છે, પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ મુદ્દે રાજ્ય હાઈવે કચેરી અને નેશનલ હાઇવે ઓથોરિટી એક બીજાને ખો આપી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ છે કે વરસાદ પહેલા આ રોડ રિપેર થાય છે કે પછી કોઈ નિર્દોષનો ભોગ લેવાયા પછી તંત્ર દોડતું થશે તે તો આવનારો સમય જ બતાવશે.