સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડિયા-કુંકાવાવ તાલુકામાં ઉમેદવારી પત્ર ભરવાના શ્રીગણેશ થઈ ગયા છે. ગત શુક્રવાર સુધીમાં જિલ્લા પંચાયતની દેવગામ, કુંકાવાવ મોટી અને વડિયા બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બબ્બે ફોર્મ ભરાયા છે, પરંતુ ભાજપ દ્વારા હજુ સત્તાવાર રીતે કોઈ ઉમેદવારી નોંધાઈ નથી. તાલુકા પંચાયતની વિવિધ બેઠકો જેવી કે દેવલકી, ખડખડ અને ઢૂંઢિયાપીપળીયામાં પણ ફોર્મ રજૂ થયા છે, જેમાં વડિયા-૨ બેઠક પર માત્ર ‘આપ’ના ઉમેદવારે જ દાવેદારી નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે. પક્ષોમાં આંતરિક બળવાની ભીતિને કારણે નામો જાહેર કરવાને બદલે સીધા ફોર્મ ભરવા આદેશ અપાયા હોવાની ચર્ચા છે, જેને પગલે હવે અંતિમ દિવસે ઉમેદવારોનો મોટો ઘસારો જોવા મળશે અને આગામી સમયમાં રસાકસીભર્યો ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે.