સમગ્ર રાજ્યમાં ૧૧ માર્ચથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે અમરેલી જિલ્લાનાં છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં પણ બે સેન્ટરો સુરગવાળા સાર્વજનિક હાયરસેકન્ડરી સ્કૂલ અને અ.હી. કન્યા વિદ્યાલય ખાતે ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા લેવાઈ રહી છે. આ બંને સેન્ટરો પર છેલ્લા ઘણા સમયથી કોઈ પેપર લીક, કોપીકેસ કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બની નથી છતાં પણ વડિયા સેન્ટરને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણવામાં આવતું હોવાથી અહીં કુંકાવાવ તાલુકા વિકાસ અધિકારીની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઓબ્ઝર્વરની દેખરેખ નીચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાના બે દિવસ પૂર્ણ થયા છે. પરીક્ષાની શરૂઆતમાં ભાજપ અગ્રણીઓએ પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ આપી આવકાર્યા હતા સાથે તેમને શુભકામના પાઠવી હતી.