અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયામાં ખાખરીયા રોડ પર આવેલી નર્મદાની પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ પાઇપલાઇન દ્વારા ઉપરવાસના ગામોમાં પીવાના પાણીની સપ્લાય કરવામાં આવે છે. લીકેજ પાઇપલાઇનના વાલ્વ પાસે થતાં પાણીના ફુવારા છૂટી રહ્યા છે, જેના કારણે નજીકના ખેતરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ વગર જ નર્મદાના નીરથી ખેતરો ભીના બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે. પાણીના સતત વેડફાટને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સંબંધિત તંત્ર દ્વારા લીકેજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.








































