રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સ એજન્સીને સોંપવામાં આવેલી આધારકાર્ડ સુધારા અને નવા આધારકાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લામાં મામલતદાર કચેરીઓ અને અન્ય કચેરીઓમાં આધારકાર્ડ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. આ કામગીરી કરવા માટે એજન્સીના કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર ન મળતા તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. આ કારણે ગ્રામીણ વિસ્તારોમાંથી આધારકાર્ડ સુધારા અને નવા કાર્ડ માટે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વડિયા તાલુકા મથકની મામલતદાર કચેરીમાં પણ આધારકાર્ડ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. ઓપરેટરોના હડતાલ પર ઉતરવાથી આધારકાર્ડ માટેના ટેબલ ખાલી રહ્યા છે અને કોઈ કામગીરી થઈ રહી નથી.
આ કારણે ગ્રામીણ વિસ્તારોમાંથી આધારકાર્ડ કામગીરી માટે આવેલા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ કામ પૂર્ણ ન થતા પરત ફરે છે. આ બાબતે કોઈપણ ઉકેલ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગણી છે કે રાજ્ય સરકાર ઝડપથી કાર્યવાહી કરીને આધારકાર્ડ કામગીરી શરુ કરાવે અને હડતાલ કરી રહેલા કર્મચારીઓને તેમનો પગાર ચૂકવવામાં આવે.