વડિયા તાલુકાનાં તોરી ગામે થોડા દિવસોમાં જ બે થી ત્રણ દુકાનોમાં ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તોરીમાં તસ્કરોએ બે ત્રણ દુકાનોને નિશાન બનાવી છે. તસ્કરોએ બસ સ્ટેશન પાસે આવેલી દુકાનમાં પ્રવેશવા માટે વૃક્ષો પર ચડી દુકાનનાં બેલા ખસેડી પાનની દુકાનમાંથી માવા, સિગારેટ તેમજ રોકડ રકમ મળી અંદાજે ૮ થી ૧૦ હજાર રૂપિયાની મત્તા ચોરી કરી હતી. તેમજ આંબેડકર નગરમાં આવેલ ઉકાભાઈ નામના વેપારીની દુકાનમાં પણ પ્રવેશ કરી માવા, સિગારેટ, રોકડ રકમ મળી અંદાજે ૭ હજાર રૂપિયાનો હાથફેરો કરી તસ્કરો નાસી ગયા હતા. તોરી ગામમાં તસ્કરોની રંજાડ વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ચોરીના બનાવ અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ કડક બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.