અમરેલી જિલ્લાના વડિયાથી બાટવા, દેવળી રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તા મુદ્દે મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા અનેકવાર અહેવાલો પ્રસિદ્ધ કર્યા પછી તંત્ર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે અને હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય વરસાદના કારણે આ રસ્તો બની શકે નહિ તેથી નવરાત્રી બાદ નવો રસ્તો બનાવાશે તેવી હૈયા ધારણ આપી હતી. તે તમામ મૂદતો પૂર્ણ થતા આ રસ્તે થી પસાર થતા ખેડૂતો, દર્દીઓ અને સ્થાનિક લોકોને પડતી હાલાકી જોઈને ફરી મીડિયા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક કોંગ્રેસના હોદેદારો દ્વારા બે દિવસ પેહલા એક સોશ્યલ મીડિયામાં મેસેજ વાઇરલ કરી આ રસ્તા બાબતે રામધૂન, સુત્રોચ્ચચાર જેવા કાર્યક્રમનું આયોજન કરેલ હોય તેમાં લોકોને જોડાવા અપીલ કરવામાં આવી હતી. જોકે નિયત કરેલા સ્થળે અને સમયે ગણ્યા ગાંઠ્યા જ કાંગેસના આગેવાનો બેનર સાથે આવીને સુત્રોચ્ચાર કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ સત્યમ મકાણી, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા, જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ જુનેદ ડોડીયા, દિલીપભાઈ શીંગાળા અને અન્ય લોકો જોડાયા હતા.