વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદી ૨૭અને ૨૮ જુલાઈએ ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટને મોટી ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જુલાઇએ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે.
હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ મોદી જંગી સભાને સંબોધન પણ કરશે. ત્યારબાદ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગર ખાતે સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના હોદ્દેદારો હાજર રહેશે. તેમજ નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે વડાપ્રધાન મોદી પ્રથમ બેઠક કરશે.
મોદીના ૨ દિવસના પ્રવાસમાં બીજા દિવસે એટલે કે ૨૮ જુલાઈએ મહાત્મા મંદિર ખાતે યોજાનાર ૩ દિવસીય સેમિક્રોન સમિટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનો વડાપ્રધાનનું સ્વપ્ન છે. ત્યારે મોદી ૨૮ જુલાઈએ સેમિક્રોન સમિટનું ઉદ્ઘાટન કરશે. એરપોર્ટના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો રૂપિયા ૧૪૦૦ કરોડના ખર્ચે ૨૫૦૦ એકરમાં એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૧૫૦૦ એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે છે. ૨૫૦ એકરનો ગ્રીન ઝોન છે. તો ૫૨૪ એકર જમીન વિવિધ પેસેન્જર સુવિધા માટે છે અને ૨૫૦ એકર જમીનમાં એવિએશન પાર્ક બનાવવામાં આવ્યો છે.
હિરાસર એન્ટરનેશનલ એરપોર્ટને હિસ્ટોરિકલ ડિઝાઈનથી તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત અને સૌરાષ્ટિનું પ્રતિબિંબ ઝીલાય તે પ્રકારનું નિર્માણ કરાયું છે. એરપોર્ટમાં એરસ્ટ્રીપ, એક્જિટ ટેક્સી ટ્રેક, પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ બિલ્ડિગ સામેલ છે. નેશનલ હાઇવે ૮-છથી એરપોર્ટ સુધી પહોંચવા સિક્સ લેન રોડની સુવિધા છે.
એરપોર્ટમાં ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો સિંગલ રન-વે છે. જેના કારણે એક કલાકમાં ૧૪ જેટલી ફલાઇટ ઉડાન ભરી શકશે અને ફલાઇટ લેન્ડ થાય તેની બે જ મિનીટમાં રન વે ખાલી પણ થઇ શકશે. આ ઉપરાંત એસી ૨૧ પ્લેન ઉતરાણ થઈ શકે તેવી રન-વે વ્યવસ્થા છે. ટર્મિનલમાં સ્થાનિક ચીજવસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરી શકાશે. ઊર્જાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરાશે તેમજ વર્ષે ૨૩ લાખ લોકો અવર જવર કરી શકશે.