ભાજપના નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટીપ્પણીનો મુદ્દો હવે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાક્રમ બાદ કેટલાક દેશોએ ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને અનેક ખાડી દેશોની તીવ્ર પ્રતિક્રિયા બાદ સસ્પેન્ડ કરી દીધા છે. આ દરમિયાન દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને હાંકી કાઢવામાં આવ્યા છે. વિવાદ વધ્યા બાદ હવે નસીરુદ્દીન શાહે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે આ વિવાદ વિશે ખુલીને વાત કરી હતી. ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે હું વડાપ્રધાનને વિનંતી કરીશ કે તેઓ આ લોકોને વધુ સારી રીતે સમજ આપે. ઋષિકેશમાં ધર્મ સંસદમાં જે કહેવામાં આવ્યું જેના પર તેઓ વિશ્વાસ કરે છે તો તેઓએ એવું કરવું જોઈએ. અને જો તેઓ તેમાં વિશ્વાસ નથી કરતા તો પણ તેમણે આ વાત કહેવી જોઈએ. આગળ વાત કરતાં તેમણે કહ્યું કે, જે નફરત કરનારા વડાપ્રધાનને ટિવટર પર ફોલો કરે છે, તેમના માટે તેઓએ કંઈક કરવું જોઈએ. તેઓએ ઝેરને ફેલાતું અટકાવવા માટે મજબૂત પગલાં લેવાની જરૂર છે. નસીરુદ્દીન શાહે એમ પણ કહ્યું હતું કે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી થોડી મોડી અને ઓછી થઇ. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે એક દિવસ લોકોમાં સારી સમજણ આવશે અને મુસ્લિમો વિરુદ્ધ નફરત ખતમ થઈ જશે.
પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ નુપુર શર્માએ પોતાના નિવેદન માટે માફી માંગી હતી, જેને નસીરુદ્દીન શાહે પાખંડ ગણાવી છે. વધુમાં અભિનેતાએ કહ્યું કે એવી કોઈ વાત તેમને યાદ નથી જયારે કોઈ મુસ્લિમે હિંદુ દેવી-દેવતાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય. આ સિવાય તેમણે નુપુર શર્માને મળેલી ધમકીની પણ નિંદા કરી છે. અન્ય એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે આજે સ્થિતિ એવી છે કે જો કોઈ મુસ્લિમ પોતાના અધિકારની વાત કરે છે તો તેને નિશાન બનાવવામાં આવે છે. છેવટે, આપણે દરેકને ભારતીય  તરીકે કેમ નથી જોતા?
તેઓ કહે છે કે જો તમે શાંતિ અને એકતાની વાત કરો છો તો તમને એક વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવે છે. બીજી તરફ, જો કોઈ નરસંહારની વાત કરે છે, તો તેને નાની સજો આપવામાં આવે છે. આ એક ડબલ સ્ટાન્ડર્ડ જેવું છે, જે જ્યોર્જ ઓરવેલની નવલકથા ‘૧૯૮૪’માં દર્શાવેલ બેવડી વિચારસરણીને દર્શાવે છે.