અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક થવાનો છે. સમગ્ર દેશમાં રામ અભિષેકને લઇને ભારે ઉત્સાહ અને ઉમંગ છે. અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે, સમગ્ર મંદિરને શણગારવામાં આવી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કરી હતી.પીએમ નરેન્દ્ર મોદી શનિવારે તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા.પીએમએ શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. તેમણે હાથીને ગોળ ખવડાવીને આશીર્વાદ લીધા. રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધા બાદ મોદી શ્રી રામાયણ પારાયણ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ કાર્યક્રમમાં ૮ અલગ-અલગ પરંપરાગત મંડળો રામના અયોધ્યા પરત ફરવાની કથાનું વર્ણન કરશે. આ મંડળો સંસ્કૃત, અવધી, કાશ્મીરી, ગુરુમુખી, આસામી, બંગાળી, મૈથિલી અને ગુજરાતી રામકથાનું પઠન કરશે.
રંગનાથસ્વામી મંદિર પછી, વડા પ્રધાન લગભગ ૨ વાગ્યે રામેશ્વરમ પહોંચશે અને શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. આ પછી તેઓ સાંજે ભજનમાં પણ ભાગ લેશે. શ્રી રંગનાથસ્વામી અને રામેશ્વરમ મંદિરો ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા છે. ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડાપ્રધાન રામાયણમાં ઉલ્લેખિત મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે.