વર્ષ ૨૦૨૨માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુબઈની મુલાકાત સાથે વિદેશ પ્રવાસની શરૂઆત કરશે. આ મુલાકાત ભારત માટે સંયુક્ત આરબ અમીરાત યુએઇના વધતા વ્યૂહાત્મક મહત્વનું ઉદાહરણ પણ હશે. પીએમ મોદીની દુબઈની મુલાકાત ૬ જાન્યુઆરી, ૨૦૨૨થી શરૂ થઈ શકે છે. આ દરમિયાન તે દુબઈ એક્સપોમાં ભાગ લે તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (ફેટા)ને આકાર આપવા માટે વાટાઘાટો ચાલી રહી છે અને મોદીની મુલાકાત દરમિયાન મહત્વની જાહેરાત પણ થવાની શક્યતા છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન યુએઇ સાથે સંબંધોને મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. સપ્ટેમ્બર ૨૦૨૧ માં, બંને દેશોએ જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં ફેટા પર કરાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુસદ્દા કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે જેથી મોદીની મુલાકાત દરમિયાન પ્રારંભિક જાહેરાત કરી શકાય. મોદી સરકારના છેલ્લા સાત વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે કોઈ દેશ સાથે ફેટા કરવામાં આવશે. જા કે, તાજેતરના મહિનાઓમાં પાંચ દેશો સાથે ફેટા પર વાતચીત શરૂ કરવામાં આવી છે. દુબઈ એક્સ્પોમાં કાયમી પ્રદર્શનની જગ્યા ધરાવતા કેટલાક દેશોમાં ભારત પણ સામેલ છે. આ દર્શાવે છે કે ભારત માટે ફેટાને કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ એટલું જ નથી કે ત્યાં ૩૩ લાખ ભારતીયો રહે છે, પરંતુ વૈશ્રીક કૂટનીતિમાં ગલ્ફ ક્ષેત્રના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને, ભારત દુબઈ સહિત યુએઈના અન્ય રાજ્યો સાથે સંબંધોને મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં યુએઇએ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ૧૦૦ બિલિયનનું રોકાણ કરવાની વાત કરી હતી. આ અંગે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્થિક સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ યુએઇના રોકાણ પર ઝડપથી કામ કરવામાં આવશે. ભારત ભવિષ્યમાં દુબઈને તેના આંતરરાષ્ટીય વ્યાપાર માટે એક મુખ્ય હબ તરીકે જુએ છે. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું હતું કે પૂર્વમાં સિંગાપોર અને પશ્ચિમમાં દુબઈ ભારતના આંતરરાષ્ટીય વેપારનું કેન્દ્ર બનશે.