વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્‌ઘાટન કરશે. પીએમ મોદીની વારાણસી મુલાકાતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિશ્વનાથ મંદિર તરફ જતા રસ્તાને ભગવા રંગથી રંગવામાં આવી રહ્યો છે. જેના કારણે એક મસ્જિદનો રંગ પણ ભગવામાં બદલાઈ ગયો હતો. જેના કારણે મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમુદાયે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી પર તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો છે.
જ્યારે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી એકસમાનતા લાવવાનો દાવો કરી રહી છે, ત્યારે લોકોનો આરોપ છે કે તેમને પૂછ્યા વગર ઈમારતોને રંગવામાં આવી રહી છે. બુલાનાલા વિસ્તારમાં રસ્તાની બાજુમાં એક ખૂબ જ જૂની મસ્જિદ છે, જેને બુલાનાલા મસ્જિદ પણ કહેવામાં આવે છે. તેનો રંગ સફેદ હતો. એવો આક્ષેપ છે કે, સત્તાધિકારીએ રાતોરાત સફેદ રંગ પર આછો ઓચર (ભગવો) ચિતર્યો હતો. જેના કારણે મસ્જિદ સાથે જોડાયેલા લોકોમાં ભારે રોષ છે અને તેઓ તેને મનસ્વી અને તાનાશાહી વલણ ગણાવી રહ્યા છે.ર્પૂછ્યા વગર રાતોરાત રંગ બદલી દેવામાં આવ્યો હોવાનો તેઓ આરોપ લગાવી રહ્યા છે.
મસ્જિદની દેખરેખ રાખતી અંજુમન એરેન્જમેન્ટ્‌સ મસ્જિદ કમિટીના મોહમ્મદ એજોઝ ઈસ્લાહીએ જણાવ્યું કે, તેમની મસ્જિદનો રંગ રાતોરાત બદલાઈ ગયો છે. જો કંઈ કરવું હોય તો પહેલાં એક વાર વાત કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, આ મનસ્વી અને તાનાશાહી છે. પહેલા તેમની મસ્જિદ સફેદ હતી, જે હવે કેસરી રંગની થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તેમને આના પર વાંધો પણ નોંધાવ્યો છે અને ડીએમને મળવાની કોશિશ પણ કરી છે, પરંતુ મીટિંગ થઈ નથી. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિરની ઓફિસમાં પણ આ કલર ખોટો હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, ભવિષ્યમાં અમે તેને પહેલાની જેમ સફેદ બનાવીશું અને તેનો સમગ્ર ખર્ચ તેમની સમિતિ ઉઠાવશે. જે નુકશાન થશે તે પોતે જ ભરવું પડશે. તેમણે કહ્યું કે, આ કૃત્યને લઈને તેમનામાં ભારે નારાજગી છે, પરંતુ વાતાવરણ એવું છે કે તે બોલી શકાતું નથી. તેમણે કહ્યું કે પીએમ મોદી કોરિડોરનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે અને એવો સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે તમામ લોકો તેમની સાથે છે પરંતુ એવું નથી.
તે જ સમયે, અંજુમન ઇનાઝાનિયા મસ્જિદ કમિટીના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસીને પણ પોતાનો સખત વાંધો નોંધાવતા કહ્યું કે, મસ્જિદનો રંગ રાતોરાત બદલાઈ ગયો છે. તેમણે આરોપ લગાવ્યો કે, ષડયંત્રના ભાગરૂપે રંગ બદલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલો અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે અને તેઓએ ખાતરી આપી છે કે મસ્જિદનો રંગ બદલીને સફેદ કરવામાં આવશે.
સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જ્યારે મસ્જિદને રંગવામાં આવી ત્યારે ગુરુદ્વારાને કેમ છોડી દેવામાં આવ્યું ? તેણે કહ્યું કે આ વિસ્તારમાં તેમના વધુ ધાર્મિક સ્થળો છે. જો ત્યાં પણ આવું કૃત્ય થયું હોત તો ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાઈ હોત, કારણ કે મુસ્લિમમોમાં ભારે રોષ છે. તેણે કહ્યું કે તેની મસ્જિદોનો રંગ મોટાભાગે સફેદ અને લીલો હોય છે અને બુલાનાલા મસ્જિદ પણ આ રંગની હતી, પરંતુ પછી તેને જોગિયા રંગ જેવા રંગથી રંગવામાં આવી હતી.
આ વિસ્તારના એક દુકાનદારે જણાવ્યું હતું કે તેમની દુકાનને પણ મનસ્વી રીતે રંગવામાં આવી હતી. જેની લાઠી તેની ભેંસ હોય તેવી સ્થિતિ રાજ્યની છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બનારસનું વાતાવરણ બગાડવા માટે જોણી જોઈને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એક વર્ગને ઉશ્કેરવામાં આવી રહ્યો છે. કારણ કે મસ્જિદને પણ રંગવામાં આવી હતી. તેમણે વધુમાં પૂછ્યું કે શું ભાજપ વિશ્વનાથ કોરિડોરને આ જ રંગમાં રંગશે ? તેમણે કહ્યું કે, જો આમ જ ચાલશે તો આવનારી સરકાર પોતાની મરજી મુજબ તેને લીલો અને વાદળી બનાવી દેશે. ત્યારે વર્તમાન સરકારમાં બેઠેલા લોકો રસ્તા પર ઉતરશે.