રાજકોટમાં સીઆર પાટીલ વજુભાઈ વાળાના ઘરે તેમના આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે તેઓ બાપાને પગે લાગ્યા હતા. બાદમાં વજુભાઈ વાળાના ખબર અંતર પૂછ્યા હતા. પાટીલે વજુભાઈને કહ્યું કે, બાપા તબીયત કેમ છે અને પગ કેમ હલાવો છો? તો વજુભાઈએ કહ્યું હમણાં કાંઈ મગજ હલાવાનો નથી એટલે પગ હલાવું છું. વજુબાપાના કટાક્ષથી બધા જ નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા.મુલાકાત બાદ વજુભાઈએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે, મેં અને પાટીલ સાહેબે સાથે કામ કર્યું છે એટલે આજે શુભેચ્છા મુલાકાત કરી હતી. મારે હવે મગજ હલાવાનું નથી. રાજકોટમાં કોઈ જૂથવાદ હતો નહીં, છે નહિં અને રહેશે પણ નહીં. આ બધી ગેરસમજ જેને થઈ છે તેણે જૂથવાદ ઉભો કર્યો છે. પાટીલે પણ મીડિયાને નિવેદન આપ્યું હતું કે, વજુબાપા પાર્ટીના સૌથી સિનિયર નેતા છે. તેઓ સાથે કામ કર્યું હતું એટલે ખાસ તેના આશીર્વાદ લેવા આવ્યો હતો.
પાટીલે વજુભાઈ વાળા સાથે બંધ બારણે ૮ મિનીટ સુધી બેઠક કરી હતી. જૂથવાદ ડામવા અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઇ હોવાની શક્યતા છે. જોકે પાટીલે જણાવ્યું હતું કે, વજુભાઈ પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું છે એટલે ઔપચારિક મુલાકાત કરી છે.
વજુભાઈને મળ્યા બાદ સીઆર પાટીલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં પાટીલે નરેશ પટેલ સાથે ચા પીધી હતી અને અમુક ચર્ચાઓ પણ કરી હતી. ચૂંટણી પહેલા નરેશ પટેલની મુલાકાત સૂચક હોવાથી પાટીલ તેમની મુલાકાત કરવા પહોંચ્યા હતા. અગાઉ નરેશ પટેલે પાટીદાર મુખ્યમંત્રી હોવાની માગ કરી હતી. બાદમાં પાટીદાર આંદોલનમાં પાટીદારો પરના કેસ પરત ખેંચવા માગ કરી હતી. નરેશ પટેલની માગ અને વાતો તત્કાલ અસરથી નજર પર લેવામાં આવી રહી છે.
મુલાકાત બાદ નરેશ પટેલે મીડિયાને નિવેદન આપ્યું હતું કે, ખોડલધામ અમે ઉમિયાધામ બંને સંસ્થાઓ તરફથી પાટીદારો પર રહેલા કેસો પાછા ખેંચવામાં આવે તેવી સરકારને વિનંતી કરી છે. જ્યારથી ભુપેન્દ્રભાઇ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે પણ મુલાકાત કરી હતી. આજે સીઆર પાટીલે પણ પાટીદારોના કેસો પાછા ખેંચવાની વાત કરી છે તેને આવકારૂ છું. અમારી વચ્ચે કોઈ રાજકીય વાત થઈ નથી અને માત્ર શુભેચ્છા મુલાકાત માટે પાટીલ આવ્યા હતા.