અમરેલી એસપીએ જિલ્લામાં ગુનાઓ આચરી ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી પર વોચ રાખી પકડી પાડવા જિલ્લા પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે. જે અનુસંધાને ભાવનગર જેલમાંથી વચગાળાના જામીન પર છુટી ફરાર થયેલા ગુંદરણ ગામના ચકચારી ડબલ મર્ડર કેસના આરોપીને અમરેલી એલસીબી ટીમે ઝડપી લીધો હતો. મૂળ લીલીયાના ગુંદરણ ગામનો અને ભાવનગરના જેસરના કરજાળા ગામનો ઉસ્માનભાઈ નુરમહંમદભાઈ દલ (ઉ.વ.૫૨) પાંચ મહિના પહેલા ડબલ મર્ડર કેસમાં ભાવનગર જેલમાંથી વચગાળાના જામીન પર છુટ્યો હતો. પરંતુ જામીન પૂરા થયા બાદ હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. જેને ટેકનિકલ સોર્સના આધારે અમદાવાદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
આ કામગીરી અમરેલી એલસીબી પીઆઈ એ.એમ.પટેલ, એ.એસ.આઈ બહાદુરભાઈ વાળા, મહેશભાઈ સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ્સ વિનુભાઈ બારૈયા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવી હતી.