વિરોધ પક્ષોની સાથે, મુસ્લિમ ધાર્મિક નેતાઓ પણ આ વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે

મોદી સરકારના વક્ફ કાયદાને લઈને હોબાળો મચી ગયો છે. વિરોધ પક્ષોની સાથે, મુસ્લિમ ધાર્મિક નેતાઓ પણ આ વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ઘણી જગ્યાએથી આના વિરોધમાં વિરોધ પ્રદર્શનના કિસ્સાઓ પણ નોંધાયા છે. હાલમાં વક્ફ એક્ટનો મામલો સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો છે. બીજી તરફ, શાસક ભાજપ વકફ કાયદાને લઈને કમર કસી ચૂક્્યું છે. ભાજપ વકફ કાયદા અંગે વકફ સુધારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.
આ ઝુંબેશ ૨૦ એપ્રિલથી ૫ મે સુધી ચાલશે. આ અભિયાન દ્વારા લોકોને ઘરે ઘરે જઈને વકફ કાયદા સંબંધિત સાચી માહિતી આપવામાં આવશે. યુપી ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલીએ કહ્યું કે બધા મુસ્લિમો આ બિલને સમર્થન આપી રહ્યા છે.
ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ બાસિત અલીએ જણાવ્યું હતું કે જિલ્લા સંયોજકથી લઈને વિભાગ અને રાજ્ય સ્તર સુધી એક ટીમ બનાવવામાં આવી છે. આ અભિયાનમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો સહિત તમામ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ જનજાગૃતિ અભિયાન બધા બૂથ સુધી પહોંચશે. રાજ્ય સ્તરે વર્કશોપ પછી, પ્રાદેશિક અને જિલ્લા સ્તરે વર્કશોપ યોજાશે. આ પછી, વિભાગીય સ્તરે કાર્યક્રમો થશે. ઘરે ઘરે સંપર્ક કરવામાં આવશે. કાર્યકરો પત્રિકાઓ લઈને તેનો પ્રચાર કરશે. મહિલાઓ માટે ઘણા મોટા કાર્યક્રમો થશે. કાર્યક્રમો દ્વારા મહિલાઓને જાગૃત કરવામાં આવશે.
બાસિત અલીએ જણાવ્યું કે કેવી રીતે બે લોકોની જાડીએ સીએએ-એનઆરસી અને બંધારણ અંગે અરાજકતા ફેલાવી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. જેથી તેમને (અખિલેશ-રાહુલ) ફરીથી આવી તક ન મળે અને લોકો ગેરમાર્ગે ન જાય, ભાજપે દરેકને સમજાવવા અને સાચી માહિતી આપવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
વિપક્ષી પક્ષો પર નિશાન સાધતા બાસિત અલીએ કહ્યું કે ગેરમાર્ગે દોરવું અને છેતરવું તેમનું સાધન બની ગયું છે. તેઓ મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે અને કહે છે કે તેમની મસ્જીદો, દરગાહ અને કબ્રસ્તાનો છીનવી લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ બિલ દ્વારા ગરીબ મુસ્લિમોને ફાયદો થશે અને કોઈની પાસેથી કંઈ છીનવાઈ શકશે નહીં.
લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખે કહ્યું કે જેમ સીએએ એનઆરસીને કારણે કોઈએ નાગરિકતા ગુમાવી નથી, તેવી જ રીતે વક્ફ કાયદાને કારણે કોઈ ગરીબ મુસ્લિમ કંઈપણથી વંચિત રહેશે નહીં. લોકોએ વિપક્ષી પક્ષો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓનો શિકાર ન બનવું જાઈએ. બિલ વિશે સાચી માહિતી લોકો સુધી પહોંચે તે માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ફક્ત વકફ મિલકત ધરાવતા લોકો જ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. જેમણે ગરીબોની મિલકત હડપ કરી છે અથવા ગરીબોના હકો હડપ કર્યા છે અથવા જેમણે વકફમાંથી સંપત્તિ મેળવી છે.
તેમણે કહ્યું કે આ વખતે મુસ્લિમો કહી રહ્યા છે કે ‘લઘુમતીઓનો સંદેશ, મોદી સાથે મુસ્લિમો’, ‘દેશનો સંદેશ, મોદી સાથે મુસ્લિમો’. મુસ્લિમો મોટી સંખ્યામાં ભાજપને સમર્થન આપી રહ્યા છે. બધા મુસ્લિમો આ બિલને સમર્થન આપી રહ્યા છે.