સાવરકુંડલા તાલુકાના વંડા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી નર્મદાની પાઇપલાઇનના કારણે ખેડૂતોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વંડાના વાડી વિસ્તાર તરફ જતા મુખ્ય રસ્તા પર નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી છે, જેની સલામતી માટે ઉપર લોખંડનો મોટો પાઇપ ચડાવવામાં આવ્યો છે. આ પાઇપ સંપૂર્ણપણે ઉપરની તરફ નાખેલો હોવાથી રસ્તો સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો છે. આ કારણે ખેડૂતો તેમની વાડીએ જવા માટે બાઇક, ટ્રેક્ટર, બળદગાડું કે અન્ય વાહનોનો ઉપયોગ કરી શકતા નથી. આ રસ્તા પર આશરે ૧૨૦૦થી ૧૫૦૦ વીઘા જમીન આવેલી છે, જેના કારણે વંડાના ખેડૂતોને વંડાથી પિયાવા અને ત્યાંથી વાડીઓમાં જવું પડે છે. આ વધારાના અંતર અને મુશ્કેલીઓને કારણે ખેડૂતોનું જીવન અને કામકાજ પ્રભાવિત થઈ રહ્યું છે. સાવરકુંડલા તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન ભરત પી. સાટીયાએ આ અંગે કહ્યું કે, “અમે તંત્રને વારંવાર વિનંતી કરી છે કે આ પાઇપને ઊંડો બેસાડીને રસ્તો મુક્ત કરવામાં આવે. વળી, પાઇપમાંથી લીકેજ પણ છે, જેના કારણે ઉનાળામાં પણ મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ જાય છે. પરંતુ તંત્ર આ લીકેજને સીલ કરવા માટે કોઈ પગલાં લેતું નથી.”







































